Monday, March 17, 2008

In Gujarati - આપણી માંહેલા ‘ભલા જર્મનો’

(This Gujarati article is set in Shruti Unicode font. It may not be viewable on your computer if your Operating System is Windows 98 or a non-Windows system. In that case, please click on the following link that takes you to a .pdf document that should be readable on most systems :
http://lokmilap.com/lokganga/bhalA%20jarmano.pdf
Please use the 'Back' button on your browser to return to this blog.)

માનવજાતને બીજા વિશ્વયુદ્ધના મહાવિનાશમાં ઘસડી જનાર જર્મનીના સરમુખત્યાર એડૉલ્ફ હિટલરના સિતમોના દાવાનળમાં યુરોપના મુલકો એક પછી એક ભસ્મીભૂત થતા ગયા ૧૯૩૫ પછીના લગભગ એક દાયકા સુધી. એ દાયકા દરમ્યાન થયેલા અમાનુષી અત્યાચારોનો ઇતિહાસ દુનિયા જેમ જેમ જાણતી ગઈ, તેમ એને એક વિમાસણ થતી રહી કે જર્મનો જેવી સુસંસ્કૃત પ્રજાએ આવી સંહારલીલા સાંખી કેમ લીધી હશે? તેના જવાબમાં કેટલાક જર્મનો બોલેલા કે, અરેરે! અમને તો આ બધી હેવાનિયતની કાંઈ ખબર જ નહોતી!

એ વાતને યાદ કરીને, "આપણી માંહેલા ‘ભલા જર્મનો’" મથાળા વાળો એક લેખ ફ્રઁક રીચ નામના પત્રકારે ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’ના ૧૪ ઑક્ટોબરના અંકમાં લખ્યો છે. તેનો આરંભ તે આ રીતે કરે છેઃ

"‘બુશ જૂઠાણાં ચલાવે છે,’ એમ કહેવાથી હવે કશું વળતું નથી. આપણે જ આપણી જાત સાથે જૂઠાણાં ચલાવીએ છીએ, તે વધુ કારમી વાસ્તવિકતાનો સામનો કરવાની ઘડી આવી પહોંચી છે."

ઇરાક પરના આક્રમણ દરમ્યાન અમેરિકન સેનાએ તેના વિરોધીઓની જે ઘોર રિબામણી કરી છે તેના દાખલાઓ ટાંકીને ફ્રઁક રીચ કહે છે કે આ બધાંનો એકસરખો જવાબ પ્રમુખ બુશ તરફથી મળતો રહે છે કે, "અમારી સરકાર કોઈની રિબામણી કરતી નથી."

પોતે કેદ પકડેલા ઇરાકીઓ પાસેથી માહિતી કઢાવવા તેમની પર અમેરિકન સૈનિકો જે જુલમ ગુજારે છે, તેની છબીઓ સાથેની સાબિતી ત્રણ વરસ પહેલાં પ્રગટ થઈ ત્યારથી અમેરિકન પ્રજા જાણે છે કે પોતાના નામે ચાલતી સરકાર મનુષ્ય ઉપર કેવા કેવા સિતમ ગુજારે છે. એ બાબત અમેરિકન સંસદના કેટલાક સભ્યો જરીક ગણગણાટ કરે છે અને પછી બીજી વાતે ચઢી જાય છે. પાનું ફરે છે.

યુદ્ધો તો અનાદિકાળથી થતાં રહ્યાં છે. પણ દરેક યુગમાં યુદ્ધમાં પણ કેટલાક નિયમો પળાતા રહ્યા છે. આધુનિક કાળમાં સહુ રાષ્ટ્રોએ એવા જે નિયમો પાળવાનું સ્વીકારેલ છે તેનો ભંગ કરનારાને યુદ્ધ-ગુનેગારો ગણવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મની અને જાપાનના ઘણા આગેવાનો પર વિજેતા મુલકોએ સ્થાપેલી અદાલતોમાં યુદ્ધ-ગુનેગારો તરીકે કામ ચલાવવામાં આવેલું ને તેમને દેહાંતદંડ સુધીની સજાઓ થયેલી.

આવી જાતના અપરાધો ઇરાકની લડાઈમાં અમેરિકનોના હાથે થાય છતાં તેનું આળ પોતાની પર ન આવે, તે માટે બુશ સરકારે એક કરામત કરી છે. તેને જરા વિગતે સમજીએ.

બધી સરકારોને લશ્કર રાખવાં પડે છે. ઘણા દેશમાં, કાયદા મુજબ, લડાઈ આવી પડે ત્યારે તેના નાગરિકોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડે છે. ભારતમાં સ્વરાજ પહેલાં અને પછી ગરીબી અને બેકારી એટલી બધી રહી છે કે લાખો માણસો સામે ચાલીને લશ્કરમાં નોકરી કરવા પડાપડી કરતા હોય છે. એટલે આપણા દેશમાં ફરજિયાત લશ્કરી ભરતી કરવી પડતી નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે અને તે પછી અમેરિકામાં ફરજિયાત લશ્કરી ભરતી લગભગ દરેક યુદ્ધ વખતે થયેલી છે. હાલમાં તેમ નથી. અનેકવિધ સવલતોથી આકર્ષાઈને હજારો અમેરિકન જુવાનો સ્વેચ્છાએ લશ્કરમાં ભરતી થાય છે. તેવાની જરૂર ઓછી પડે માટે બુશ સરકારે ઇરાકમાં ભાડૂતી સિપાહીઓની જંગી ફોજ કામે લગાડી છે. ઇરાક પર જબરદસ્ત વિમાની બાઁબમારો અને તોપમારો ચલાવીને અમેરિકનોએ પહેલાં વિનાશ વેર્યો. પછી સડકો, પૂલો, મકાનો વગેરે બાંધવાનું કામ હજારો કાઁટ્રાક્ટરોને સોંપાયું, તેમના નોકરિયાતોની સંખ્યા ૧,૮૦,૦૦૦ જેટલી થવા જાય છે. તે પૈકી ૪૮,૦૦૦ હથિયારધારી નોકરિયાતો એવા છે કે જેની પર ઇરાકની કે અમેરિકન સરકાર સુઘ્ધાં કશો કાબૂ ધરાવતી નથી.

સરકારી સેનાની કામગીરી વિષે અમેરિકન સંસદમાં ને અખબારોમાં ટીકા થઈ શકે છે, પણ આ ભાડૂતી સિપાહીઓને હાથે જે હત્યાઓ થાય તેના કોઈ આંકડા જાહેર થતા નથી. કેટલા ઇરાકી પ્રજાજનોની ખુવારી આ લડાઈમાં થઈ તે પણ ઘણા સમય સુધી જાહેર થયું નહોતું. ચાલીસ લાખથી વધુ ઇરાકીઓ યુદ્ધને લીધે નિર્વાસિત થયા છે ને તેમાં પ્રમાણ બહારનાં તો બાળકો છે. બ્લૅકવોટર નામના એક અમેરિકન કૉન્ટ્રાક્ટરના ભાડૂતી સિપાહીઓએ ૧૬મી સપ્ટેમ્બરે બગદાદમાં સત્તર નિર્દોષ ઇરાકીઓની કતલ ચલાવેલી, તે અંગે ઇરાકી સરકાર કે અમેરિકન સેનાથી કશું થઈ શકતું નથી. ૨૦૦૫ની સાલ પછી ગોળીબારોની તડાફડીના આવા ૨૦૦ બનાવોમાં બ્લૅકવોટરની સંડોવણી બહાર આવી છે. પણ ઇરાક પરની ચડાઈ વખતના સર્વોચ્ચ અમેરિકન અધિકારી બ્રેમરે તે વેળા કાઢેલા ફરમાન મુજબ આવા ભાડૂતી સિપાહીઓને ઇરાકના કાનૂનોથી પર રાખવામાં આવ્યા છે. અને છતાં એ કૉન્ટ્રાક્ટરો અબજો ડૉલર મેળવે છે અમેરિકન સરકાર પાસેથી, એટલે કે કરવેરા ભરનારા અમેરિકન નાગરિકો પાસેથી.

ફ્રઁક રીચ એમના લેખમાં કહે છે કે ઇરાકની લડાઈ વિષે અમેરિકન પ્રજાને સુખકારી અજ્ઞાનમાં રાખવાની બુશ સરકારની કુનેહભરી યોજના રહી છે. અમેરિકન સંસદ અને અખબારોએ પોતાની ફરજ બજાવી હોત તો ઘણા વધારે નાગરિકોએ આ લડાઈ વિષે વધુ વાંધા ઉઠાવ્યા હોત. અંતમાં લેખક કહે છે કે, ઇરાકની ભીષણતાઓ માટે આપણે બુશ સરકારને દોષ દેવાનું ભલે ચાલુ રાખીએ, પરંતુ આપણે નામે જે બીભત્સ કૃત્યો આચરવામાં આવ્યાં તે માટેની આપણી જવાબદારી કેટલી છે તે પણ તપાસવું જોઈએ.

ફ્રઁક રીચનો આ લેખ ભારતનાં અમુક અંગ્રેજી અખબારોમાં છપાયો હોય એવી આશા હું રાખું છું. બે કૉલમ જેટલા એ લેખમાં ૧/૮ ભાગ જેટલી કાપકૂપ કરીને ઈ-મેઈલથી તે અહીંના ને ભારતના કેટલાક મિત્રોને મેં મોકલ્યો છે. પણ ગુજરાતી છાપાં-સામયિકોયે પોતાના વાચકોના ઘ્યાન પર તે લાવે એવી મારી નમ્ર વિનંતી છે. કારણકે ગુજરાતની પ્રજામાં પણ આવા "ભલા જર્મનો"ની સંખ્યા સારી એવી હશે. ઇરાકની લડાઈ વિષે જેમ અમેરિકન પ્રજાને બુશ સરકારે સુખકારી અજ્ઞાનમાં રાખી છે, તેમ ગુજરાતનાં રમખાણો વિષે આપણી પ્રજાને બેહોશીમાં રાખવાની ભરચક કોશિશ રાજયના સત્તાધારીઓ કરતા રહ્યા છે. જેમ અમેરિકન સાંસદો અને અમેરિકન અખબારો, તેમ ગુજરાતના મોટા ભાગના ધારાસભ્યો અને છાપાં પણ પોતાની
જવાબદારી અદા કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે. હિટલરની છૂપી પોલીસ ગેસ્ટાપોને શોભે તેવી તરકીબો જેમ બુશના અમેરિકામાં તેમ મોદીના ગુજરાતમાં અજમાવવામાં આવી છે, તેથી આપણી માનવતા નીચી પડી છે. એ લોકો આવું કરતા રહે ત્યાં સુધી આપણે જેટલા લાંબા કાળ લગી નિષ્ક્રીય ખડા રહેશું, તેટલા આપણે પેલા "ભલા જર્મનો" જેવા લાગશું, જે એમના પોતાના જ ગેસ્ટાપો વિષે અજાણ હોવાનો દાવો કરતા હતા.
ફ્રઁક રીચના લેખનો અંત આ શબ્દો સાથે આવે છે : "નિદ્રાભ્રમણ કરતા સાંસદો સરકારની નીતિને રોજેરોજ પડકારતા રહે તે માટે એમને જગાડવાની જવાબદારી આપણી છે. તેમાં હવે આપણે કશું ગુમાવવાનું રહ્યું નથી - સિવાય કે આપણા દેશનું ઉજ્જ્વલ નામ."

ગુજરાતના "નિદ્રાભ્રમણ કરતા" હાલના ધારાસભ્યોને જગાડવામાં આપણે નિષ્ફળ નીવડ્યા હોઈએ, તો એમને સ્થાને જાગતા ધારાસભ્યોને બેસાડવાની તક ડિસેમ્બર માસમાં જ પ્રજાને મળવાની છે.
હિટલરની હેવાનિયત લાખો નરનારી-બાળકોને ભરખી રહી હતી તે વરસો દરમ્યાન તેના મૂંગા પ્રેક્ષક બનીને બેસી રહેનારા પોતાના બાપ-દાદા વિષે જર્મનોની આજની પેઢી જે નામોશી અનુભવી રહી હશે, તેના જેવો અનુભવ કરવાનું ગુજરાતની આવતી પેઢીઓનાં બાળકોના કિસ્મતમાં ન આવે, તે માટે આપણે આજે કશુંક પણ કરશું?

છએક માસનો વતન-વિયોગ વેઠીને ઘરભણી પાછાં વળતાં આ સવાલ મારો કેડો છોડતો નથી.


[અમેરિકાથી લિખિતંગ મહેન્દ્ર મેઘાણી]

No comments:

Post a Comment